Monday, 7 January 2008

પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને

પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને

કૈંક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને

હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ,
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને

થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને

હાથમાં આવી ગયું'તું એમનું આખું જીવન
હું હતો ગાફિલ, નહીં દેખાયા એ મોકા મને

આ સતત અવગણના એની મહેરબાની છે, 'મરીઝ',
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.

No comments: