Wednesday, 20 August 2008

જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ

જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ,
કેવું અઘરું એનું જીવન હોવું જોઈએ.

ફુલોમાં કેમ શ્રેષ્ઠ છે ફુલો કપાસના,
એમાં છૂપેલું મારું કફન હોવું જોઈએ.

આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે,
એવું કશું નથી કે વચન હોવું જોઈએ.

જીવનમાં લાખ ઘટના બને છે, ભલે બને,
એમાંથી એક-બેનું મનન હોવું જોઈએ.

કોઈ અગમ્ય ડરથી ઉપડતા નથી કદમ,
બસ આટલામાં એનું સદન હોવું જોઈએ.

આવું સરસ ન હોય વાતાવરણ કદી,
કોઈની સાથે તારું મિલન હોવું જોઈએ.

પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે,
જીવનમાં એક એવું પતન હોવું જોઈએ.

આંસુ ઢળીને હોઠ પર આવી ગયા ‘મરીઝ’,
પીવાને માટે મારું રુદન હોવું જોઈએ.

No comments: