Thursday, 9 December 2010

સમજાય છે સાકી

હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી!
હવે પીધા પછી પણ મારું દિલ ગભરાય છે સાકી.

સુરા પીતાં જે મારાથી કંઇક ઢૉળાય છે સાકી,
મને એમાં હજારોની તરસ દેખાય છે સાકી.

સુરાની વાત કેવી ઝેર પણ પી લ્યે અગર કોઇ,
તો દુનિયામાં એ ચર્ચાનો વિષય થઇ જાય છે સાકી.

અસર આવી નથી જોઇ મેં વર્ષોની ઇબાદતમાં,
ફક્ત બે જામમાં તુર્ત જ જીવન બદલાય છે સાકી.

ભલે એ સત્ય છે, પણ વાત છે જૂના જમાનાની,
નશામાં પણ હવે કયાં આદમી પરખાય છે સાકી?

‘મરીઝ’ આવા નશામાં પણ ઉઘાડી આંખ રાખે છે,
ખબર કોને કે એની આંખ કયાં મીંચાય છે સાકી.

No comments: