દર્દ એવું કે કોઇ ના જાણે,
હાલ એવો કે જે બધા જાણે!
શું થયું? તેય કયાં ખબર છે મને,
શું થવાનું હશે ખુદા જાણે.
આ ભટકવું રઝળવું ચારે તરફ,
તારી પાસે જ રહી ગયા જાણે.
વાત આવી જ હો તો શું કહીએ!
એ નથી કંઇ જ જાણતા જાણે!
એમ ઉદાસ આંખે આભ જોતો રહ્યો,
તારી મળવાની હો જગા જાણે.
એણે આપી ક્ષમા તો એ રીતે,
કંઇ જ સૂઝી નહીં સજા જાણે.
છે નિરાશામાં એક નિરાંત 'મરીઝ',
હો બધા દર્દની દવા જાણે.
No comments:
Post a Comment