Thursday, 9 December 2010

પ્રેમાળ માણસ નથી ઓળખતાં

સદીઓથી એવું જ બનતું રહ્યું છે,
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા.
સખી એને જોવા તું ચાહી રહી છે,
જે સપનું રહે છે હંમેશાં અઘૂરૂં;

પ્રીતમનો પરિચય તું માગી રહી છે,
વિષય તારો સુંદર, કુતૂહલ મઘુરૂં.
લે સાંભળ, એ સામાન્ય એક આદમી છે,
હૃદય એનું ભોળું, જીવન એનું સાદું;

ન ચહેરો રૂપાળો, ન વસ્ત્રોમાં ઠસ્સો,
ન આંખોમાં ઓજસ ન વાતોમાં જાદુ.
કવિતાના પણ એ નથી ખાસ રસિયા,
ન સંગીતમાં કંઇ ગતાગમ છે એને;

પસંદ એ નથી કરતા કિસ્સાકહાણી,
કલાથી ન કોઇ સમાગમ છે એને.
એ મૂંગા જ મહેફિલમાં બેસી રહે છે,
છે ચુપકિદી એની સદંતર નિખાલસ;

નથી એની પાસે દલીલોની શકિત,
કદી પણ નથી કરતાં ચર્ચાનું સાહસ.
જુએ કોઇ એને તો હરગિઝ ન માને,
કે આ માનવીમાં મહોબ્બત ભરી છે;

કોઇના બુરામાં ન નિંદા કોઇની,
નસેનસમાં એની શરાફત ભરી છે.
જગતની ધમાલોથી એ પર રહે છે,
છે પોતાના રસ્તે જ સૂરજની માફક;

સખી તારા પ્રીતમની છે એ જ ઓળખ,
છે સૌ સ્ત્રીઓ માટે જીવન એનું લાયક.
ભિખારણની પાસે કે રાણીના પડખે,
જગા કોઇ પણ હો એ શોભી શકે છે;

પરંતુ સખી! આવી દુનિયાની અંદર,
ભલા એવા માણસને કોણ ઓળખે છે.
સદીઓથી એવું જ બનતું રહ્યું છે,
કે પ્રેમાળ માણસ નથી ઓળખતાં.

No comments: