બસ એક વાર મોજ લુંટી મન રહ્યું નહિ,
જીવનમાં પ્રેમદર્દ ફરીથી સહ્યું નહિ.
સૌને કહું છું ધ્યાન તમારું જ છે મને,
કરજો ક્ષમા કે ધ્યાન તમારું રહ્યું નહિ.
મારે તો રાખવી હતી તારા વચનની લાજ,
તેથી તો ઇંતિઝારમાં જીવન વહ્યું નહિ.
આખર સમયમાં એમ એ જોતા રહ્યા મને,
કે એનું સૌ, ને મારું કશુંયે ગયું નહિ!!
સ્નેહીજનોના પ્રેમમાં શંકા નથી મગર,
લાગે છે કેમ કોઇ અમારું થયું નહિ.
મારો નજુમી પણ મને સમજી ગયો 'મરીઝ',
ભાવિમાં સુખ છે, તેથી વધુ કંઇ કહ્યું નહિ.
No comments:
Post a Comment