Saturday 7 July 2007

નથી મળતા

ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા,
સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.

નિયમ વિરુદ્ધ જગતનાં ય ગમ નથી મળતા,
કે આંસુ ઠંડાઃ નિસાસા ગરમ નથી મળતા.

મળે છે વર્ષો પછી એકદમ નથી મળતા,
મલમ તો શું કે સહેજે જખમ નથી મળતા.

વિચારું છું કે મહોબ્બત તજી દઉં કિન્તુ -
ફરી ફરી અહીં માનવ જીવન નથી મળતા.

ઠગે છે મિત્ર બની,કોઇ માર્ગદર્શક બની,
જીવન સફર માં ઠગારા ય કમ નથી મળતા.

હમેશા ક્યાંથી નવા લાવું, વિઘ્નસંતોષી!
કે કંટકો તો મળે છે, કદમ નથી મળતા.

સુખોની સાથે સરી જાય છે બધા સ્નેહી,
પડે છે ભીડ તો ખાવા કસમ નથી મળતા.

સિલકમાં હોય ભલે પૂરતી છતાં "ઘાયલ"
ચડતી રાજાના સહેજે હુકુમ નથી મળતા.

સવાઈ છે

નથી બીજું કમાયા કૈં જીવનની એ કમાઈ છે,
અમારે મન જીવનમૂડી અમારી માણસાઈ છે.

નજર એક વાર શું કંઈ વાર જગતમા છેતરાઈ છે,
છતાં છોડી નથી શકતી ન જાણે શી સગાઈ છે !

નથી ઊકેલવી રહેલી અલકલટની સમસ્યાઓ,
હ્રુદય પણ ગૂંચવાયું છે,નજર પણ ગૂંચવાઈ છે.

ન દિલ મારું, ન આ દુનિયા,ન ગમ મારો ખુશી મારી,
મળી છે જિન્દગાની એ ય પણ થાપણ પરાઈ છે.

ગલત જીવન,ગલત આશા,ગલત સંસારની માયા,
અમારી સાથે આ કેવી પ્રભુ તારી ઠગાઈ છે ?

જખમને એમ દિલમાં સંઘરી બેઠા છે દીવાના,
જીવન-નિર્વાહનું જાણે સાધન છે, જિવાઈ છે.

ફના જો સાથ દેશે તો ઝલક એની બતાવીશું,
અમારી આ ફકીરી પણ અમીરીથી સવાઈ છે.

અમારે આશકોને દોસ્ત,આશા શું?નિરાશા શું?
ભલે લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.

જ્યાં સુધી આ રેહશે દેહ

જ્યાં સુધી આ રેહશે દેહ,
ત્યાં સુધી ખમવાના રેહ.

હસ્તી આંખલડીમાં નેહ,
એટલે તડકે તડકે મેહ.

આદર વિણ શું જાવું ગેહ ?
છો વરસે મોતીનાં મેહ.

અશ્રુ ઊનાં કેમ ન લાગે ?
હૈયામાં સળગે છે ચેહ.

છેતરપીંડી એ પણ કેવી ?
હાથ દે છે હૈયાને છેહ.

દ્રષ્ટિ શક્તિ,મન સંકુચિત,
છીછરા સ્નેહી, છીછરો સ્નેહ.

માનું છું હું ખેલદિલીમાં,
જોતો નથી હું હાર ફત્તેહ.

એમ દબાઇ જાય એ બીજા,
કાળ છો આપ મોતની શેહ.

એમ નહી પડે "ઘાયલ"
પડતાં પડતાં પડશે દેહ.

કરી જાય છે

હજાર શાંતિ હો સંગ્રામ કરી જાય છે,
સમય સમયનુ સદા કામ કરી જાય છે.

મુસીબતો મહીં જે કામ કરી જાય છે,
તમારા સમ, એ જગે નામ કરી જાય છે.

કરો જો પ્રેમ કોઈથી તો વિચારી કરજો,
એ નેકનામને બદનામ કરી જાય છે.

નજર મિલાવી શકે કોણ ભલા રૂપ થકી,
અમારું દિલ છે કે એ હામ કરી જાય છે.

ભલા શું પૂંછવૂં પ્રેમી ના બલીદાન તણું,
જવાની કેરું એ લીલામ કરી જાય છે.

મને તો જંપવા દેતું નથી હતભાગી હ્રુદય,
વ્યથા જો ભૂલથી આરામ કરી જાય છે.

સિવાય ઈશ કહો એનું કરે કોણ પૂરું
જે ખાલી ઘૂટ મહીં જામ કરી જાય છે.

તમે નિહાળી નથી વીજ નિરાશા કેરી,
એ ભસ્મીભૂત કઈં ધામ કરી જાય છે.

જમાનો કાલ હશે મારા ચરણમાં "ઘાયલ",
દમન છો આજ એ બેફામ કરી જાય છે.

સવાયો છું

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું,
અડધોપડધો જ ઓળખાયો છું.

વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!

આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું.

વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું.

એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?
હું ય મારો નથી, પરાયો છું!

સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!

ઊંચકે કોણ આ પંથ ભૂલ્યાને?
આપ મેળે જ ઊંચકાયો છું.

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.

Friday 6 July 2007

સાર બાકી છે

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,
ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.

તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઇ ઝણકાર બાકી છે.

ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.

મહતા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.

મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.

જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,
હજુ કંઇ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.

શબ્દને તોડ્યો છે

શબ્દને તોડ્યો છે મેં ફોડ્યો છે;
તોડીફોડી યથેચ્છ જોડ્યો છે.

મારી રીતે મેં બાંધ્યો છે એને,
મારી રીતે મેં એને છોડ્યો છે.

સીધેસીધો નથી જો ખોડાયો,
ઉંધે માથે મેં એને ખોડ્યો છે.

શ્વાસે શ્વાસે મેં રૂંધ્યો છે એને,
રૂંવે રૂંવે મેં એને તોડ્યો છે.

શબ્દને મેં કદી ચૂમ્યો છે કદી,
જોરથી લાફો ગાલે ચોડ્યો છે.

મેં નથી માત્ર એના ગુણ ગાયા,
ધૂમ જાહેરમાં વખોડ્યો છે.

પીઠ પર એના સોળ છે ‘ઘાયલ’
શબ્દને મેં સખત સબોડ્યો છે.

કરામત કરી છે

જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ,
નવેસરથી એવી મરામત કરી છે;
શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી-
તમે પણ કહેશો કરામત કરી છે.

ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી,
અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે-
ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.

કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ
નથી પાછી પાની કરી કોઈ પંથે;
મહોબત કહો તો મહોબત કરી છે-
બગાવત કહો તો બગાવત કરી છે.

જુવાનીના દિવસો એ રંગીન રાતો,
ખુવારી મહીં એ ખુમારીની વાતો;
સદીઓ અમે બાદશાહી કરી છે-
હકૂમત વિના પણ હકૂમત કરી છે.

કહો દંભીઓને કે સમજાવે એને,
કંઈ બંડ પાછું ન પોકારી બેસે.
કહે છે જવાનોએ ચોંકાવનારી;
ફરી એકઠી કંઈ હકીકત કરી છે.

મુબારક તમોને ગુલોની જવાની,
અમોને ન તોલો તણખલાની તોલે!
અમે એ જ બુલબુલ છીએ જેમણે આ
ચમનની હંમેશા હિફાજત કરી છે.

નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા,
રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં,
વતનમાંથી જાણે કે હિજરત કરી છે.

અવર તો અવર પણ કદરદાન મિત્રોય,
રાખે છે વર્તાવ એવો અમોથી;
પરાયા વતનમાં અમે આવી જાણે,
ફિરંગીની પેઠે વસાહત કરી છે.

પરાયા પસીનાનો પૈસો છે, ‘ઘાયલ’,
કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે!
કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી,
દલિતોની દોલત ઉચાપત કરી છે.

ચહેરા

એ. હસતા ચહેરા, વિલસતા ચહેરા,
ભલા કેમ વિસરાય હસતા ચહેરા!

ન જાણે કે અદ્રશ્ય કયાં થઇ ગયા છે?
જીવનમાં ગઝલ ને પીરસતા ચહેરા.

કદાપી ન ઢંકાય છે સૂર્ય ઢાંકયા,
ન રહેશે કહીં પણ એ અસ્તા ચહેરા.

ધગશ ને ધખારા હવે કયાંથી લાવું!
ગયા ઊતરી સૌ ઉપસતા ચહેરા.

મળે તો કહેજો કે તરસે છે તમને,
નિરંતર ખુશીને તરસતા ચહેરા.

મને આજ ‘ઘાયલ’, રડાવીને રહેશે,
નથી યાદ આવ્યા અમસ્તા ચહેરા.

મોતથી નાતો હતો

જિન્દગી ચહાતો હતો ના મોત હું ચહાતો હતો,
કોઇથી મુજ રોગનો ઉપચાર ના થાતો હતો.

મોતનો વાયુ હતો કે જોરથી વાતો હતો,
જિંદગીનો મદ હતો કે બસ ચડયે જાતો હતો.

પ્રેમનો કાંટો જિગરમાં ખૂંચતો જાતો હતો,
દર્દનો ખટકો હતો એ જીવને ખાતો હતો.

ભૂલવા મથતો હતો પણ એ ન ભુલાતા હતા,
જેમ એને છોડતો’તો એમ ખેંચાતો હતો.

ઉમ્રભર ભટકયો છતાં ના આટલું સમજી શકયો,
કેમથી આવ્યો હતો ને કેમનો જાતો હતો.

કોઇને સંબંધ જીવન-ઝગમગાટોથી હતો,
એક મારો જીવ જેને મોતથી નાતો હતો.

કેટલા યત્નો કર્યા લલચાવવા મુજને જગે,
હું હતો કે જાળમાં એની ન સપડાતો હતો.

કોણ જાણે એવું ‘ઘાયલ’, શું હતું મારા મહીં!
જે મને જોતો હતો ઘાયલ બની જાતો હતો.

વર્ષો જવાને જોઇએ

વર્ષો જવાને જોઇએ ત્યાં ક્ષણમાં જઇ ચડયો,
આશ્ચયૅ વચ્ચે એમના આંગણમાં જઇ ચડયો!

પૂછો નહીં કે આજ તો કયાં નીકળી ગયો,
કાજળને સ્પર્શવા જતા કામણમાં જઇ ચડયો!

અંધારમુકત થઇ ન શકયો રોશની મહીં,
આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઇ ચડયો!

મનફાવે તેમ આભમાં ફંગોળતી રહી,
હું કયાંય નહિ ને ગેબની ગોફણમાં જઇ ચડયો.

કૈં ચાંદની જ એવી હતી, ભાન ના રહ્યું;
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઇ ચડયો!

ન્હોતી ખબર, જવાય નહીં એમ સ્વર્ગમાં;
પહેર્યું હતું હું એ જ પહેરણમાં જઇ ચડયો!

‘ઘાયલ’ ગયો’તો કેમ સુરાલયમાં શું કહું?
ખૂબ જ હતો હું આજ વિમાસણમાં, જઇ ચડયો.