Wednesday 23 September 2009

રસ કયાં છે

રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ કયાં છે!
ફરક રેખા હું ક્યાં? દોરું પ્રણય ક્યાં છે, હવસ ક્યાં છે!

ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,
પરંતુ એ ના સમજાયું હજી પણ એની નસ કયાં છે!

સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા,
હતી જે એક જમાનામાં હવે એવી તરસ કયાં છે!

અહીં તો એકધારી જિંદગી વીતી છે વર્ષોથી,
તમે માનો કે જીવનના બધા સરખા દિવસ કયાં છે!

‘મરીઝ’ એક વાત લોકોથી છુપાવીને મેં રાખી’તી,
ગયો કહેવા તો જોયું એમાં લોકોને જ રસ કયાં છે!