Wednesday 20 August 2008

નશાના ધામ તરફ મસ્તીના મુકામ તરફ

નશાના ધામ તરફ મસ્તીના મુકામ તરફ,
નિગાહ છે કે રહે છે સદાય જામ તરફ.

કરી જો બંદગી સાહેબની અદબથી કરી,
વળ્યા ન હાથ અમારા કદી સલામ તરફ.

ઉઠાવો કોઈ જનાજો જવાન પ્યાસ તણો,
કે મીટ માંડી નથી જાતી ભગ્ન જામ તરફ.

હવે તો દ્રષ્ટી ફક્ત સાદગીને શોધે છે,
ગયો એ દોર કે રહેતી હતી દમામ તરફ.

એ સ્નેહનું જ રૂપાંતર છે એય પણ ક્યાંથી,
કે એમને હો તિરસ્કાર મારા નામ તરફ.

દીવાનગીમાં અજાયબ મળી ગઈ દ્રષ્ટી,
કે ફાટી આંખથી જોતા રહ્યા તમામ તરફ.

ગતિ ભણી જ નજર નોંધતા રહ્યા કાયમ,
કદી ગયા ન અમે ભૂલથી વિરમ તરફ.

જો હોય શ્રદ્ધા મુસાફર ને પૂર્ણ મંજિલમાં,
તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ.

હતો એ મસ્ત પ્રવાસી કરી પ્રવાસ સફળ,
અનોખી શાનથી ‘ઘાયલ’ ગયો સ્વધામ તરફ.

સંભાળજે ઓ દિલ આ કટોકટની ઘડી છે

સંભાળજે ઓ દિલ આ કટોકટની ઘડી છે,
આ દુનિયા મને એકીટશે જોઈ રહી છે.

આગળ તો જવા દે આ જીવનને પછી જોજે,
હમણાં શું જુએ છે એ સુખી છે કે દુ:ખી છે.

સજદામાં પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
અલ્લાહ તરફ મારી કમર સહેજ ઝૂકી છે.

સૌ પાકા ગુનેગાર સુખી છે, હું દુ:ખી છું,
શું મારા ગુનાહોમાં કોઈ ચૂક થઈ છે ?

અલ્લાહ મને આપ ફકીરીની એ હાલત,
કે કોઈ ન સમજે, આ સુખી છે કે દુ:ખી છે.

ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં

ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.

મુકામ એવો પણ આવે છે કોઇ વેળા મહોબતમાં,
ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞામાં કે સ્વાગતમાં.

નહીં એ કામ લાગે હો હજાર ઊભરા મહોબતમાં,
અણીના ટાંકણે હંમેશા ઓટ આવે છે હિંમતમાં.

અહીં બીજે કશે પણ ધ્યાન દેવાની મનાઇ છે,
સળંગ રસ્તો અગર જોયો તો એ જોયો અદાવતમાં.

અહીં બે ત્રણની વચ્ચે પણ ખબર કોઇ નથી લેતું,
હજારો હાજરીમાં શું દશા થાશે કયામતમાં.

જરા થોડું વિચારે કે તરત એમા ઉણપ નીકળે,
અહીં સંતોષ કોને હોય છે પોતાની હાલતમાં.

જગતમાં સૌ શરાબીની આ એક જ કમનસીબી છે,
શરૂમાં શોખ હો, આગળ જતા પલટાય આદતમાં.

કરે છે એવી દ્રષ્ટિ ને કરે છે એવી અવગણના,
હો જાણે એમણે વરસો વિતાવ્યા તારી સોબતમાં.

પછી એના પ્રવાહે આખું સાધારણ જીવન વીતે,
મહત્વના બનાવો હોય છે - બે ચાર કિસ્મતમાં.

પછી એકાંતનો ચસ્કો ન લાગે તો મને કહેજો,
જરા થોડો સમય વીતાવો અમ જેવાની સોબતમાં.

‘મરીઝ’ આ એક અનોખી વાત સાચા પ્રેમમાં જોઇ,
કરો જુઠ્ઠી શિકાયત તો મજા આવે શિકાયતમાં.

ભલે ને પ્રેમનું બંધન સદા છે

ભલે ને પ્રેમનું બંધન સદા છે,
નીકળવું હોય તો રસ્તા ઘણા છે.

ખુશી જેના મિલનમાં ખાસ નહોતી,
ગયા,તો મારા દિલમાં વેદના છે.

નહિંતર સાંભળી હસવા ન લાગું,
કદાચિત મારી આ જૂની કથા છે.

હજી કાચી હશે સમજણ અમારી,
હજી અમને અનુભવ થઈ રહ્યા છે.

હતી પ્રેમાળ તારી બેવફાઈ,
તને ખટકી રહી મારી વફા છે.

'મરીઝ' આ હાલ !! કે લે બોધ દુનિયા!!
હવે કહેજો, અમારો પણ ખુદા છે.

મેં તજી તારી તમન્ના

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,
જે વચન દેતા નથી તોય નિભાવી જાય છે.

બહારના જીવનના છે, એ મારા જીવનના નથી,
તે પ્રસંગો કે જે મારું દિલ દુઃખાવી જાય છે.

મારી કિસ્મત છે જુદી,તારું મુકદર છે અલગ,
કોઈ વખત એક જગા પર કેમ આવી જાય છે.

છું બહુ જુનો શરાબી જામથી ખેલું છુ હું,
હો નવા પીનાર તેઓ ગટગટાવી જાય છે.

ઓ શિખામણ આપનારા!! તારો આભારી છું હું,
મારા આ રડમસ જીવનમાં તું હસાવી જાય છે.

મારી નિષ્ફળતા ભલી, એમાં કોઈ ખામી નથી,
ઓ સફળતા!!કોણ અહીં સંપૂર્ણ ફાવી જાય છે.

લાવો મારી પાસે હું અમૃતથી મારું એમને,
ઝેર જેવી ચીજ પણ જેઓ પચાવી જાય છે.

મારું આ બેહોશ જીવન પૂર્ણ તો થાએ 'મરીઝ'
હું નથી હોતો તો એ વિતાવી જાય છે....

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હોય,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નિહ આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

કે એના બંધ આ હોઠોમાં, મારી દાસ્તાનો છે

મને શ્રધ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે,
દુઆ એવી કરું છું જાણે મારો એકલાનો છે.

હવે કોઈ સૂચન આપો કે ક્યાં નીકળી જવું મારે,
કે એ પોતે જ છે દુઃખમાં જે મારા મહેરબાનો છે.

સમયની લાજ રાખી ને ઘડિભર તો તમે આવો,
કે પળભરના ભરોસા પર અહીં આખો જમાનો છે.

કોઈ આ ભેદ ના કહેજો,ખુદા ખાતર સમંદરને,
ખુદા કરતાં વધુ વિશ્વાસ મુજને નાખુદાનો છે.

હવે એવી દુઆ છે કે કોઈ જોવા નહીં આવે,
હવે જોવા સમો નકશો અમારી દુર્દશાનો છે.

મરણ સુધરી ગયું મારું 'મરીઝ', આ એના શબ્દોથી,
કે એના બંધ આ હોઠોમાં, 'મારી દાસ્તાનો' છે.....

માનજો પ્રેમની એ વાત નથી

માનજો પ્રેમની એ વાત નથી,
એ જો થોડીક વાહિયાત નથી.

આહ! કુદરતની અલ્પ સુંદરતા!
પૂરેપૂરો દિવસ પ્રભાત નથી.

હું તો કેદી છું ખૂદના બંધનનો,
બહારનો કોઇ ચોકિયાત નથી.

તેથી પુનર્જન્મમાં માનું છું,
આ વખતની હયાત-હયાત નથી.

ક્યાંથી દર્શન હો આખા માનવનૂં,
આખો ઈશ્વર સાક્ષાત નથી.

અન્ય અંધારા પણ જીવનમાં છે,
એક કેવળ વિરહની રાત નથી.

આખી દુનિયાને લઇને ડૂબું છું,
આ ફક્ત મારો આપઘાત નથી.

આમ દુનિયા વિના નહીં ચાલે,
આમ દુનિયાની કોઈ વિસાત નથી.

વાત એ શું કહે છે એ જોશું,
હજી હમણાં તો કંઈ જ વાત નથી.

ભેદ મારાં છે - તે કરું છું સ્પષ્ટ,
એમાં કોઈ તમારી વાત નથી.

મારું સારું બધું સહજ છે 'મરીઝ',
કેળવેલી આ લાયકાત નથી.

તરંગોથી રમી લે છે, ભંવરનું માન રાખે છે

તરંગોથી રમી લે છે ભંવરનું માન રાખે છે.
નહીંતર નાવ પોતે સેંકડો તોફાન રાખે છે,

અવિરત શૂન્યનું અંતર કોઈનું ધ્યાન રાખે છે,
પ્રણય-જામે અનોખું રૂપનું મદ્યપાન રાખે છે.

પળે પળે મોકલે છે ચોતરફ સંદેશ મોજાંથી,
સમંદર ડૂબતાનું સર્વ વાતે ધ્યાન રાખે છે.

તમારી યાદમાં સળગે છે રોમે રોમ તો પણ શું ?
હંમેશાં ખેલદિલ ખેલી નિયમનું માન રાખે છે.

દરદ છે એટલે તો જિંદગીમાં જાન બાકી છે,
પ્રણય છે એટલે સૌ રૂપનું સન્માન રાખે છે.

ધરીને શૂન્ય બેઠો છે ઉરે ટુકડાઓ પ્યાલીના,
અમરતાનો પૂજારી પણ ફનાનું માન રાખે છે.

પરિચય છે મંદિરમાં દેવોને મારો

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો'યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે 'શૂન્ય' એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ

જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ,
કેવું અઘરું એનું જીવન હોવું જોઈએ.

ફુલોમાં કેમ શ્રેષ્ઠ છે ફુલો કપાસના,
એમાં છૂપેલું મારું કફન હોવું જોઈએ.

આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે,
એવું કશું નથી કે વચન હોવું જોઈએ.

જીવનમાં લાખ ઘટના બને છે, ભલે બને,
એમાંથી એક-બેનું મનન હોવું જોઈએ.

કોઈ અગમ્ય ડરથી ઉપડતા નથી કદમ,
બસ આટલામાં એનું સદન હોવું જોઈએ.

આવું સરસ ન હોય વાતાવરણ કદી,
કોઈની સાથે તારું મિલન હોવું જોઈએ.

પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે,
જીવનમાં એક એવું પતન હોવું જોઈએ.

આંસુ ઢળીને હોઠ પર આવી ગયા ‘મરીઝ’,
પીવાને માટે મારું રુદન હોવું જોઈએ.

એક તારી કલ્પના જે જિગર બાળતી રહી

એક તારી કલ્પના જે જિગર બાળતી રહી,
એક મારી વાસ્તવિકતા કે જાણે નથી રહી.

એક હું કે શોષતી રહી મારી કલા મને,
એક તું કે સૌ કલા તને શણગારતી રહી.

એક હું કે મારો પ્રેમ ન તારા વિના ટકે,
એક તું કે તારી રૂપપ્રભા એકલી રહી.

એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું,
એક તું કે તારી આંખ બધું બોલતી રહી.

એક તુ કે તારી આંખને જોતું રહ્યું જગત,
એક હું કે મારી આંખ જગત પર ભમી રહી.

એક તું કે તારા હાથમાં દુનિયાની આબરૂ,
એક હું કે મારી આબરૂ મારા સુધી રહી.

એક તારું સાંત્વન કે હજારો ‘મરીઝ’ને,
એક મારી વેદના જે દવા શોધતી રહી.

નથી એ વાત કે પહેલાં સમાન પ્રીત નથી

સૌંદર્યની દુનિયામાં છે સંયમનો રીવાજ,
સ્વભાવનાં બંધનનો નથી કોઈ ઈલાજ,
સમજી લે કે મોઘમ છે ઈશારા એનાં,
ફૂલોમાંથી ક્યાં આવે છે હસવાનો અવાજ.


નથી એ વાત કે પહેલાં સમાન પ્રીત નથી,
મળું તમને હું તો એમાં તમારું હિત નથી.

થયો ન હારનો અફસોસ, કિન્તુ દુ:ખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.

બીજી તરફ છે બધી વાતમાં હિસાબ હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.

ફના થવાની ઘણી રીત છે જગતમાં ‘મરીઝ’,
તમે પસંદ કરી છે એ સારી રીત નથી.

તારી રાહ જોઇ છે તારાજ ઘર સુધી

રસ્તાની કોઇ ચીજ ન આવી નઝર સુધી
મેં તારી રાહ જોઇ છે તારાજ ઘર સુધી

આ તારા ઠંડા સ્વાસ અને મારી યાદમાં
એક ઝાર જેવું લાગે છે દિલથી જીગર સુધી

કોઇને રાખ પ્યારી છે મારી કોઇને ખાક,
ચિતા સુધી કોઇ છે કોઇ છે કબર સુધી

કરીએં જો હમણા યાદ તો આવે ન યાદ એ
જે જે અમારા ભેદ રહ્યા નામાબર સુધી

મળતા રહ્યા છે અમને કદરદાન પ્રેમના
પણ આહ પ્રેમ તે જે રહ્યો બે કદર સુધી

પાલવમાં તારા દીઠી મેં ઉષાની રંગતો
સંધ્યાની લાલી જોઉં છું તારા અધર સુધી

પાછળ ફરીને જોયું બસ એ ભૂલ થઇ ‘મરીઝ‘
નહીંતર હું પહોંચી જાત બરાબર શિખર સુધી

એક નિશાની માંગી

વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી
મેં એક નિશાની માંગી
અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી,
મારા ઘરડા દિવસો માટે થોડીક જવાની માંગી…
મેં એક નિશાની માંગી…

મેં કરી વિનંતી
કે જાગતો રહીશ હું કયાં સુધી મને કોઇ હાલરડું આપો,
બાળક મનને રમવા માટે એક રમકડું આપો;
ઝુલ્ફની ખુશ્બો; સ્મિતની રોનક, નયનની મસ્તી આપો,
જતાં જતાં મારા સૂના મનને કંઇક તો વસ્તી આપો.

વિરહની રાતો પોતે જેને જીવની જેમ સંભાળે,
આપો એક વચન કંઇ એવું લાખ વરસ જે ચાલે.
પાયલ પહેર્યા બાદ પડયાં જે તે સૌ પગલાં આપો,
મેં એક નિશાની માંગી…

સૂણી વિનંતી બોલ્યા તેઓ નજરને નીચી રાખી,
‘દિલ જ્યાં આપ્યું પછી કહો શું આપવા જેવું બાકી?’
મારી યાદ હશે જો દિલમાં ને જો સૂરજ ઢળશે,
પ્રેમના સોગંદ રણમાંથી પણ તમને પનઘટ મળશે.
ઝુલ્ફની ખુશ્બો, સ્મિતની રોનક, નયનની મસ્તી મળશે,
ક્ષણભર યાદ કરી જો લેશો વસ્તી વસ્તી મળશે.

બાકી જેને ભૂલી જવું હો એ જ કહાની માંગે,
પ્રીતમ જેના મનમાં શંકા - એ જ નિશાની માંગે.
કેવો પ્રીતભર્યો આ ઠપકો, કેવી શીખ મજાની,
આથી બહેતર “સૈફ” શું મળતે બીજી કોઇ નિશાની!

એક લોકકથા

એક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યું
આજ સુધી ના ખીલ્યાં એવાં જ્ઞાની ફૂલ ખિલાવી ધ્યો;
સ્મિત કરીને પંડિત બોલ્યા- ‘રાજન, મારું કામ નહીં’
એ માટે તો ક્યાંકથી કોઇ પ્રેમિકા બોલાવી લ્યો.

પાનખરો જે અજવાળે એ દીપિકાને લઇ આવો,
હર્ષિત થઇને રાજા બોલ્યો, ‘પ્રેમિકાને લઇ આવો.’
સૈનિક બોલ્યા : હે રાજેશ્વર, સોંપેલું આ કામ છે શું ?
પ્રેમિકાનું નામ છે શું ? ને પ્રેમિકાનું ઠામ છે શું ?

ચોર લૂંટારુ હોય તો રાજન પકડીને હાજર કરીએ.
શત્રુ હોય જો કિલ્લા સમ તો સામે જઇને સર કરીએ;
પણ આવી શોધનું હે અન્નદાતા અમને તો કંઇ જ્ઞાન નથી.
પ્રેમિકા શું ? પ્રેમી છે શું ? કંઇ એનું અમને ભાન નથી.

પંડિત બોલ્યા : પ્રેમિકા છે પ્રેમિકાનું એક જ નામ
બારે માસ વસંતો જેવું જ્યાં હો ત્યાં છે એનું ઠામ
સૈનિક ચાલ્યા શોધ મહીં ને શોધ કરીને લઇ આવ્યા
શહેરમાં જઇ એક ડોસીમાને હરીફરીને લઇ આવ્યા.

બોલ્યા માલિક સમજ પડે ના એવું કંઇ સમજાવે છે,
આ ડોસીને પ્રેમિકાના નામે સૌ બોલાવે છે.
લગ્નપ્રસંગે સૌથી પહેલાં એનું ઘર શણગારે છે,
એની આશિષ સૌથી પહેલાં મંડપમાં સ્વીકારે છે.

રાજા શું કે શું પંડિતજી સૂણીને સૌના મન ઝૂમ્યાં
વારાફરતી જઇને સૌએ ડોસીમાના પગ ચૂમ્યા.
આંખ ઉઠાવી ડોસીમાએ રાજા ઉપર સ્થિર કરી,
બોલ્યા : બેટા, જીવી ગઇ છું આખું જીવન ધીર ધરી.

પરદેશી જો પાછો આવત- મારે પણ એક હીરો હોત,
મારે ખોળે પણ રમનારો તારા જેવો વીરો હોત.
વાત પુરાણી યાદ આવી ને આંખથી આંસુ છલકાયાં,
જ્યાં જ્યાં ટપક્યાં એ આંસુ ત્યાં ફૂલ નવાં સર્જાયાં.

જે આજ સાંભળી તે ખરેખર ગઝલ હતી

સહુને ગમી ગઈ હતી એવી અસલ હતી,
નાજુક હતી પરંતુ ગજબની ગઝલ હતી.

છે આબરૂનો પ્રશ્ન ખબરદાર પાંપણો,
જાણી ન જાય કોઈ કે આંખો સજલ હતી.

બસ રાત પૂરતી જ હતી રંગની ઋતુ,
જોયું સવારનાં તો રૂદનની ફસલ હતી.

‘ઘાયલ’ને સાંભળ્યા પછી લાગ્યું બધાને,
જે આજ સાંભળી તે ખરેખર ગઝલ હતી.

જીવન બની જશે

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,
જે કંઈ તું આપશે સનાતન બની જશે.

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવું કોણ કે બંધન બની જશે.

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.

Monday 7 January 2008

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.

‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો

એક દી’ એમણે પોતે જાતે કહ્યું,
‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો.
મારા વિશે જરા થોડા રૂપક કહો,
થોડી ઉપમાઓનું આજ સર્જન કરો.

કેવી હાલત ભલા થઇ હશે એ સમયે,
એ તો દિલ વાળા જે હોય કલ્પી શકે,
જેણે બાંધ્યો હો રૂપાળો રીસ્તો કદી,
એ જ સમજી શકે એ જ જાણી શકે.

કોક બીજાની હોતે જો આ માંગણી,
હું’ય દિલ ખોલીને આજ વર્ણન કરત.
આ સભા દાદ દઇને દઇને થાકી જતે,
એવા સાહિત્યનું આજ સર્જન કરત.

પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા
એ જ રૂપક જો ચાહે તો હું શું કરું ?
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,
એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું ?

તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું,
છો રૂપાળા તમે ખૂબ સારા તમે,
આંખ બહુ મસ્ત છે ચાલ બહુ ખૂબ છે,
અંગે અંગે છો નખશીખ પ્યારા તમે.

કેવી સીધીને સાદી હતી વાત આ,
કેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા.
બોલ્યા કેવા મજાના છો શાયર તમે,
કેવુ સારું ને મનગમતું બોલી ગયા.

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.

મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને

પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને

કૈંક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને

હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ,
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને

થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને

હાથમાં આવી ગયું'તું એમનું આખું જીવન
હું હતો ગાફિલ, નહીં દેખાયા એ મોકા મને

આ સતત અવગણના એની મહેરબાની છે, 'મરીઝ',
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.