Wednesday 24 October 2007

એક નજર આંખના ખુણામાં રહી ગઈ

દુનિયા પરસ્ત દિલ હતું દુનિયામાં રહી ગઈ.
મરી બધી નમાઝ મુસલ્લામાં રહી ગઈ.

એ ના ખબર પડી કે ક્યાં થોભી જવું હતું,
કંઈ કંઈ રૂપાળી મંઝિલો રસ્તામાં રહી ગઈ.

અંધારામાં રહ્યા અહીં આખું જીવન અમે,
છાયા હતી અમારી જે તડકામાં રહી ગઈ.

સાકી ! સુરામાં કંઇક તો ખામી હતી જરૂર,
દાનત એટલે અમારી તોબામાં રહી ગઈ.

જોયું તો એજ જોતી હતી ચારો તરફ ‘મરીઝ’
તે એક નજર આંખના ખુણામાં રહી ગઈ.

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

ઝંખે મિલનને કોણ જો એની મજા કહું !
તારો જે દૂરદૂરથી સહકાર હોય છે.

ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.

જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’,
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.

Monday 22 October 2007

તોફાન થાય ક્યાં જો એ દરિયામાં થાય ના

સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના,
પગલાના આ ધ્વનિ છે તમારી વિદાયના.

ના, એવું દર્દ હોય મહોબત સિવાય ના,
સોચો તો લાખ સૂઝે - કરો તો ઉપાય ના.

જીવનનો કોઇ તાલ હજુ બેસતો નથી,
હમણાંથી કોઇ ગીત મહોબતમા ગાય ના.

આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.

સારા કે નરસા કોઇને દેજે ન ઓ ખુદા,
એવા અનુભવો કે જે ભૂલી શકાય ના.

એ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી,
આ છે ગઝલ, કંઇ એમાં ઝડપથી લખાય ના.

આરામમાં છું કોઇ નવા દુ:ખ નથી મને,
હા દર્દ છે થોડા વીતેલી સહાય ના.

જ્યાં પણ હ્રદયના ઊભરા, ઊભરે કરો કબુલ,
તોફાન થાય ક્યાં જો એ દરિયામાં થાય ના.

હા છે વિવિધ ક્ષેત્રમાં એવા છે પ્રેમીઓ,
એવી વફા કરે છે કે માની શકાય ના.

સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો,
અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના.

જોવા મને હું લોકની આંખોને જોઉં છું,
લોકોની આંખમાં જ હતા સ્પષ્ટ આયના.

મૃત્યુની પહેલા થોડી જરા બેવફાઇ કર,
જેથી ‘મરીઝ’ એમને પસ્તાવો થાય ના.

રૂમાલમાં ગાંઠ

ખબર પડી કે છૂટી જાશે આજકાલમાં ગાંઠ;
હ્રદયને ભૂલી ગયા, વાળીને રૂમાલમાં ગાંઠ.

ન દિલમાં ગૂંચ છે કોઈ, ન છે ખયાલમાં ગાંઠ;
પણ એની સામે રહે છે બધા સવાલમાં ગાંઠ.

નજર અમારી તો ઊંચી છે, અમને જાણ નથી,
કે કોણ બાંધી ગયું છે અમારી ચાલમાં ગાંઠ.

ન શ્વાસ સહેલથી ખેંચાય છે, ન દમ નીકળે,
ગળામાં કેવી આ બાંધી તમે વહાલમાં ગાંઠ!

પણ એને ખોલવાની નવરાશ છે ન હિંમત છે,
મને ખબર છે કે ક્યાં ક્યાં છે મારા હાલમાં ગાંઠ.

અહીં સમયના સકંજાથી કોણ છૂટે છે?
ઘડી ઘડીની પડેલી છે સાલ સાલમાં ગાંઠ.

તમારી યાદના ફેરાઓ કેવા મંગળ છે!
હજાર બાંધીને છોડી દીધી ખયાલમાં ગાંઠ.

જીવનની દોરી ઉભયની બહુ નિકટ થઈ ગઈ,
પડી જવાની હશે એમાં આજકાલમાં ગાંઠ.

‘મરીઝ’ ગાળીને એમાં જ પી રહ્યા છો શરાબ,
કદી ન પીવાની વાળી’તી જે રૂમાલમાં ગાંઠ?

Sunday 21 October 2007

જીવન મરણ છે એક

જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું


ખૂશ્બુ હજી છે બાકી જો સુંઘી શકો મને
હું પાનખર નથી હું વીતેલી વસંત છું


હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ
બિંદુની મધ્યમાં છું કે તેથી અનંત છું


રસ્તે પલાઠી વાળીને બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું

તમારી વિદાયના

સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના,
પગલાના આ ધ્વનિ છે તમારી વિદાયના.

ના, એવું દર્દ હોય મહોબત સિવાય ના,
સોચો તો લાખ સૂઝે - કરો તો ઉપાય ના.

જીવનનો કોઇ તાલ હજુ બેસતો નથી,
હમણાંથી કોઇ ગીત મહોબતમા ગાય ના.

આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.

સારા કે નરસા કોઇને દેજે ન ઓ ખુદા,
એવા અનુભવો કે જે ભૂલી શકાય ના.

એ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી,
આ છે ગઝલ, કંઇ એમાં ઝડપથી લખાય ના.

આરામમાં છું કોઇ નવા દુ:ખ નથી મને,
હા દર્દ છે થોડા વીતેલી સહાય ના.

જ્યાં પણ હ્રદયના ઊભરા, ઊભરે કરો કબુલ,
તોફાન થાય ક્યાં જો એ દરિયામાં થાય ના.

હા છે વિવિધ ક્ષેત્રમાં એવા છે પ્રેમીઓ,
એવી વફા કરે છે કે માની શકાય ના.

સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો,
અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના.

જોવા મને હું લોકની આંખોને જોઉં છું,
લોકોની આંખમાં જ હતા સ્પષ્ટ આયના.

મૃત્યુની પહેલા થોડી જરા બેવફાઇ કર,
જેથી ‘મરીઝ’ એમને પસ્તાવો થાય ના.

બસ એટલી સમજ મને પરવરદિગાર દે

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તિઝાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

તારો શું ખ્યાલ છે

એક જ જવાબ દે મારો એક જ સવાલ છે;
આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે.

વર્તમાનમાંથી નીકળી ભાવિ તરફ જવું,
બાકી કશી જીવનની ગતિ છે ન ચાલ છે.

આ આજના ભરોસે મને માન આપ ના,
કોને ખબર કે શું મારી આગામી કાલ છે.

પૂરાં કરો વચન જે દીધાં આજકાલનાં,
મારીય જિંદગાની હવે આજકાલ છે.

બસ એક નજર સચેત – તો વૈભવ બધા મળે,
બસ એક નજર ચૂકો તો બધું પાયમાલ છે.

એવા કોઈ વિરાટની સંગત મળે તો વાહ,
જે પોતે દીન હોવા છતાં પણ દયાલ છે.

આવ્યો ન ખુદા યાદ

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.

એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.

મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.

માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.

આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.

કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

Thursday 18 October 2007

કાજળભર્યાં નયનના

કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપુ કારણ મને ગમે છે.

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસૂ લૂછો નહીં ભલા થઈ
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.

દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીનાં! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોત ને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયા ની જેમ જ ખાંપણ મને ગમે છે.

‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મે રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.

મોતનાં ફરમાન નીકળ્યાં

ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા.

સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં,
જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં.

તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં.

એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

Wednesday 17 October 2007

જીવન પર પાથરવાના

જેમ ખરે છે ફુલ ખીલીને એમ અમે ખીલીને ખરવાના,
હસતે મુખે જીવન જીવવાના, હસ્તે મુખે મ્રુત્યુ મરવાના,

સાવ નવું અવતરવા માટે સાવ નવું મ્રુત્યુ મરવાના,
પ્રેમ સમંદરમાં ડૂબીને, પ્રેમ સમંદરમાં તરવાના.

આંસુ નથી ઊનાં રડવાના આહ નથી કંઠી ભરવાના,
જીવ વિરહમાં જાય ભલે ,ફરિયાદ નથી કોદિ કરવાના.

યાદ કરીને તમને હસીશું દિલના દરદને લપટી રડીશું,
રીત હજારો છે જીવનની, ઢંગ હજારો છે મરવાના.

છોડને એય દિલ આશ મિલનની,છોને ખુવારી હો તનમનની,
પરવા નથી કરતાં જીવનની , જ્યોત ઉપર બળતા પરવાના.

આંખથી આંસુ જાય વળી શું આ ભેદ ખુલ્લો થાય વળીશું,
માલમતા છે એ તો જીવનની ,દિલમાં અમે એ સંઘરવાના.

મોત ભલેને આવે છતાં આશાઓ નથી મરનાર હ્રુદયની
આંધી ભલેને લાખ ઊઠે ,એ દીપ નથી ઠાર્યા ઠરવાના.

ઝખ્મ હ્રુદયનાં ઝખ્મ નથી કઇં દાગ જિગરના દાગ નથી કઇં,
સ્વર્ગ મહીં જાવાના એતો ,કોઇએ આપ્યા છે પરવાના.

જ્યોત જડી જાશે ઝળહળતી દૂર થશે તિમિર જીવનથી,
કોડ પ્રથમ પયદા કર "ઘાયલ", તેજ જીવન પર પાથરવાના.

ઝડપી ચાલ રાખે છે

"નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને સ્મિત આછું મળતાં મારું માલામાલ થઇ જાવું
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું દિલ મારા
બહુ મુશ્કેલ છે ‘ઘાયલ’ માંથી ‘અમૃતલાલ’ થઇ જાવું"



દશા મારી અનોખો લય અનોખો તાલ રાખે છે
કે મુજને મુફલીસીમાં પણ એ માલામાલ રાખે છે

નથી એ રાખતા કંઇ ખ્યાલ મારે કેમ કહેવાયે
નથી એ રાખતાતો કોણ મારો ક્યાલ રાખે છે

મથે છે આંબવા કિંતુ મરણ આંબી નથી શકતું
મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે

જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું
મળે છે બે દિલો ત્યાં મધ્યમાં દિવાલ રાખે છે

જીવનનું પુછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’ નું
છતાં હિંમત જુઓ કે નામ ‘અમૃતલાલ’ રાખે છે

મોત કેરા જામની

નામની છે હસ્તી એની નામની
ધૂનહીણી જિંદગી શા કામની?.

કામ ના આવે રહે ના કામની,
જિંદગી એવી બળી આરામ ની,

નીચ માં શું તત્વ કમ છે ઉચ્ચ થી?
ઠીકરામાં પણ છે માટી કામની.

જિંદગી કેવો મજાનો શબ્દ પણ,
છે મદિરા મોત કેરા જામની.

આગ આંટો લઇ ગઇ છે ગામને,
અવદશા બેઠી છે આખા ગામની.

દર્દ ઉઠ્યું આજ કંઇ એવી રીતે,
કે મજા આવી ગઇ આરામની.

ક્યાંય પણ મન બેસવા દેતું નથી!
છે જગાઓ તો ઘણી વિશ્રામની.

હાલમાં ‘ઘાયલ’ કરી છે અખ્તિયાર,
દંડ કરનારાએ નીતિ ડામની.

મીનાબજારે ઉભો છું

કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઉભો છું
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઉભો છું

આ તારી ગલીથી ઉઠી જવું, સાચે જ નથી મુશ્કીલ કિંતું
તું સાંભળશે તો શુ કહેશે, બસ એ જ વિચારે ઉભો છું

સમઝાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ધેલું
જાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઉભો છું

જોયા છે ઘણાંને મેં ‘ઘાયલ’, આ ટોચેથી ફેંકાઇ જતા
એકાદ ઘડી આ તો એમ જ, આવીને મિનારે ઉભો છું

પડખું ફર્યો, લે !

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !

લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !

તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !

મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !

સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !

કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !

‘ઘાયલ’ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !

ગઝલ

“જાહેરમાં જે સાંભળી શરમાઈ જાય છે
તે ખાનગીમાં મારી ગઝલ દિલથી ગાય છે
એમાં અચંબો પામવા જેવું નથી કશું
થઈ જાય છે જો પ્રેમ તો એવુંય થાય છે”



લાજના ભાવથી નમી તે ગઝલ
જે પ્રથમ દ્રષ્ટિએ ગમી તે ગઝલ

આંખમાં આંજીને સ્નેહનો સુરમો
રાતભર સોગઠે રમી તે ગઝલ

દ્રષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે
ઊગે સંબંધ રેશમી તે ગઝલ

એ તો છે ચીજ સર્વ મોસમની
નિત્ય લાગે મૌસમી તે ગઝલ

લિટી એકાદ સાંભળી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ

કંટક નથી હોતી

કદી લજ્જાવિહોણી આંખડી મોહક નથી હોતી,
નજર તો હોય છે કિન્તુ હ્રદયવેધક નથી હોતી.

અમારી જિંદગાનીની અદાઓ પણ અનોખી છે!
ઘડી લાયક, ઘડીમાં જીવવા લાયક નથી હોતી.

જવાની ની કસમ, ઉઠતી જવાની પણ મદિરા છે,
મદિરા પણ ખરેખર એટલી માદક નથી હોતી.

જમાનાની નજરમાં કોણ જાણે કેમ ખટકે છે!
અમારી જિંદગાની આમ તો કંટક નથી હોતી.

રગે રગમાં ખુશીની લ્હેર દોડી જાય છે ‘ઘાયલ’!
કયા સૌન્દર્યની ઝાંખી જીવનપ્રેરક નથી હોતી!