Wednesday 27 July 2011

મિલન મોકા નથી મળતા

તને જોયા કરું છુ પણ મિલન મોકા નથી મળતા
સિતમ છે, સામે મંઝિલ છે, અને રસ્તા નથી મળતા.

પછી આ વિરહ રાતે આ ફરે છે કોણ આંખોમાં
કહ્યુ કોણે કે અંધારામાં પડછાયા નથી મળતા.

ભલા એવા જગતમાં શુ ફળે જીવનની ઇચ્છાઓ
કે જ્યાં મરજી મુજબના નીંદમાં સ્વપ્ના નથી મળતા.

નવીનતાને ન ઠુકરાવો નવીનતા પ્રાણપોષક છે.
જુઓ કુદરત તરફથી શ્વાસ પણ જુના નથી મળતા.

કરી શકતો નથી હું મારા મિત્રોની કદરદાની
ફક્ત એક કારણે, કે દુશ્મનો સાચા નથી મળતા.

“મરીઝ” અલ્લાહના એકત્વમાં શંકા પડે ક્યાંથી
જગતમાં જ્યારે બે ઇન્સાન પણ સરખા નથી મળતા.

Wednesday 13 July 2011

ગણનામાં નથી હોતી

કસોટીમાં સફળતા કંઈ જ ગણનામાં નથી હોતી,
કે બદલાની શરત એની પરીક્ષામાં નથી હોતી.

કહી દઉં તો પછી લોકોનું રસરંજન મરી જાશે,
કે મારી હાજરી મારા તમાશામાં નથી હોતી.

ન દિલ મારું દુઃખે, એ લાગણી તો તારા દિલમાં છે,
ભલે સચ્ચાઈ કંઈ તારા ખુલાસામાં નથી હોતી.

અમે આડા પડી ત્યાં પણ વિસામા મેળવી લીધા છે,
ઊભા રહેવાનીયે સગવડ જે રસ્તામાં નથી હોતી.

ગયું કયાં રૂપ તારું કે હું આવ્યો છું સરળતાથી,
હવે કંઈ ખાસ નડતર તારા રસ્તામાં નથી હોતી.

'મરીઝ' એવાય લોકોને ઘણી વેળા દુઃખી જોયા,
કશી પણ જેમને તકલીફ દુનિયામાં નથી હોતી.

એવી કલા મળશે

સાચી છે મહોબ્બત તો એક એવી કલા મળશે,
મળવાના વિચારોમાં મળવાની મજા મળશે.

તે બાદ ખટક દિલમાં રહેશે ન ગુનાહોની,
જ્યારે તું સજા કરશે ત્યારે જ ક્ષમા મળશે.

ભૂતકાળની મહેફિલમાં ચાલો ને જરા જોઈએ,
જો આપ હશો તો સાથે ફરવામાં મજા મળશે.

દુનિયાના દુઃખો તારો આઘાત ભૂલાવે છે,
નહોતી એ ખબર અમને આ રીતે દવા મળશે.

માનવને ય મળવામાં ગભરાટ થતો રે'છે,
શું હાલ થશે મારો જ્યારે ખુદા મળશે.

થોડાક અધૂરાં રહી છૂટા જો પડી શકીએ,
તો પાછું મિલન થાતાં થોડીક મજા મળશે.

હું યત્ન નહીં કરતે જો એની ખબર હોતે,
પણ જાણ નથી શું શું તકદીર વિના મળશે.

સમજી લ્યો 'મરીઝ' એની સૌ વાત નિરાળી છે,
'હા'માં કદી 'ના' મળશે, 'ના'માં કદી 'હા' મળશે.

Tuesday 8 March 2011

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.

પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.

સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.

આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,
કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?

હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,
આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.

મળે તો એમની આશાને સો સલામ કરું,
કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.

અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,
કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.

તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,
કે તું હવાને શિકારીની જાલ સમજે છે !

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.

ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી

જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.

આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું !
તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી.

દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા,
જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.

દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,
મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.

કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,
કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.

કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,
રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.

એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.

એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં

એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફતગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને

ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને,
ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.

અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે,
તમે ભલાઈ ન કરજો જવાબ આપીને.

મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે,
તરસ વધારી દીધી છે શરાબ આપીને.

હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ‘મરીઝ’
હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને.

તારી અસરમાં સાવ અટુલા પડી ગયા

તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા

છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા

ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

Thursday 3 March 2011

કેટલાક તડકા કેટલા આકરા હોય છે

કેટલાક તડકા કેટલા આકરા હોય છે

ગયાના ગયા ઉનાળે તૂટી ગયા એનાં છેલ્લાં ચપ્પલ.

હવે,

કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,

છેલ્લા સેઠે પાણી ના પાયેલું ગળું લઈને,

મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,

ચસ્માવાળા કૉલેઝિયને બતાયેલા રસ્તે,

એ પહોંચે છે બંગલે.

ને હરામખોર સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,

કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.


આ અછાંદસ તમે અહી સૌમ્ય જોશી ના આવાજ માં સાંભળી શકો છો.
http://tahuko.com/?p=10431

આભાર ભુપેન્દ્ર પંડ્યા.

મારી આંખમાં તું

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?

મારી આંખમાં તું…

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…

Sunday 6 February 2011

વાત ગોળગોળ છે

વાત ગોળગોળ છે,
પ્રાણ ઓળઘોળ છે.

હૈયું છે હચુડચુ,
દૃષ્ટિ ડામાડોળ છે.

ભીંજવે છે કોણ આ ?
છાંટ છે ન છોળ છે !

કૈં નથી,અમસ્તી આજ,
આંખ લાલચોળ છે.

હાથ લાવ,શેકીએ,
હાથ ટાઢાબોળ છે.

શ્વાસ છે તો છે સિતમ,
પીઠ છે તો સોળ છે.

કલરવોનું શું થયું?
કેમ કાગારોળ છે !

માંહ્યલાનું કર જતન,
ખોળિયું તો ખોળ છે.

મોક્ષમાં યે શાંતિ ક્યાં ?
વ્યર્થ શોધખોળ છે.

એ જ છે મારી દશા

એ જ છે મારી દશા ને એ જ મારો હાલ છે,
આજ જેવી આજ પણ લાગે છે કે ગઈકાલ છે.

હું મને પોતાને પણ મોઢું ન દેખાડી શકું
આરસી જોતો નથી શું જોવા જેવા હાલ છે.

તારી માફક થઈ ગયા વરસો મને રસ્તા ઉપર
જો નજુમી જો હવે આગામી કેવી સાલ છે.

મારું મયખાનું ભલું જ્યારે ચાહું નીકળી શકું
શેખજી કાબામાં તો ચારે બાજુ દિવાલ છે.

જાણે એમાં એનો કોઈ હાથ કે હિસ્સો નથી
એ મને પૂછે છે કે આ કેવો તારો હાલ છે??

આવી સમતુલા મહોબ્બતના વિના બીજે નથી
એને એવું દુઃખ રહે છે જેને જેવું વ્હાલ છે.

કોઈની ટીકા કે હમદર્દી ન કર સમજ્યા વિના
શું ખબર કઈ દિશામાં કોનો કેવો હાલ છે.

'આજ' થઈને જ્યારે સામે આવશે એમ જ જશે
એમ તો મેં પણ ઘણી નક્કી કરેલી કાલ છે.

આ શિખામણમાં બધું આવી ગયું સાંભળ જરા
જો સમય કરતાંયે મોંઘી આ દિલની ચાલ છે.

એક તૌબા એક તમાચાની જરૂરત છે 'મરીઝ'
હાથ ઉપાડો કે બહુ નજદીક ખુદના ગાલ છે...

અમારી પાસે

જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે,
બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે.

દર્દ જે દીધું તમે પાછું તમે લઈ શકશો,
એ હજી સાવ સલામત છે અમારી પાસે.

આપ ચિંતા ન કરો, આપ ન બદનામ થશો,
કે બધા ભેદ અનામત છે અમારી પાસે.

કોઈ સમજી ન શકે એમ બધું કહી દઈએ,
કંઈક એવીય કરામત છે અમારી પાસે.

પ્રેમ વહેવાર નથી એમાં દલીલો ન કરો,
કે દલીલિ તો અકારત છે અમારી પાસે.

રાહ ક્યાં જોઈએ આગામી કયામતની ‘મરીઝ’?
એક અમારીય કયામત છે અમારી પાસે.

Sunday 23 January 2011

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો,
છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,
કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની,
કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,
સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજાઓ હતી રાતે રાતે,
ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને,
તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો,
થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,
હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,
તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,
ફકત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે,
નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.

લઈને આવ્યો છું

“ભૂલાતી પ્રેમ મસ્તીની કહાની લઈને આવ્યો છું,
કલાપી કાલની અંતિમ નિશાની લઈને આવ્યો છું;
કદી ગઝલોય સાંભળવી ઘટે સાહિત્ય સ્વામીઓ,
નહીં માનો હું એ રંગીન વાણી લઈને આવ્યો છું.”

તમોને ભેટ ધરવા ભરજવાની લઈને આવ્યો છું,
મઝાના દિ અને રાતો મઝાની લઈને આવ્યો છું.

બધાને એમ લાગે છે મરું છું જાણી જોઈને,
કલા એવી જ કંઈ હું જીવવાની લઈને આવ્યો છું.

કહો તો રોઈ દેખાડું, કહો તો ગાઈ દેખાડું,
નજરમાં બેઉ શક્તિઓ હું છાની લઈને આવ્યો છું.

નથી સંતાપ છો ખૂબી નથી એકેય અમારામાં,
મને સંતોષ છે હું ખાનદાની લઈને આવ્યો છું.

મને ડર છે કહીં બરબાદ ના જીવન કરી નાખે,
કે હું એ હાથમાં રેખા કલાની લઈને આવ્યો છું.

સિતારા સાંભળે છે શાંત ચીત્તે રાતભર ‘ઘાયલ’
ઉદાસા કો’ મંહી એવી કહાની લઈને આવ્યો છું.

રિવાજ નથી

હો પ્રેમમાં જ ફક્ત દર્દ એ રિવાજ નથી,
મળે ન તક તો હવસનો ય કંઈ ઇલાજ નથી.

હવે જ સાચી મોહબ્બતની રાહ આવી છે,
કદમ ઉઠે છે બરાબર અને અવાજ નથી.

હજાર વાત કરે આંખ, હોઠ કંઈ ન કહે,
આ એક પ્રકારની નિષ્ઠુરતા છે, લાજ નથી!

ભલે હો કાલના ખોળામાં સુખના લાખ વરસ,
પરંતુ હાય એ સુખ ક્યાં હશે જે આજ નથી!

સનમ હવે આ જમાનામાં કોઈ ભય કેવો?
હવે તો લોકોનાં ટોળાં જ છે, સમાજ નથી.

તમે ન કામમાં આવો તો કામમાંથી જઈશ,
કે છું હું કામનો માણસ ને કામકાજ નથી.

મેં એમનાથી યે મોં ફેરવી લીધું છે ‘મરીઝ’
આ નમ્રતાની છે અંતિમ હદ, મિજાજ નથી.