Thursday 9 December 2010

પ્રેમાળ માણસ નથી ઓળખતાં

સદીઓથી એવું જ બનતું રહ્યું છે,
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા.
સખી એને જોવા તું ચાહી રહી છે,
જે સપનું રહે છે હંમેશાં અઘૂરૂં;

પ્રીતમનો પરિચય તું માગી રહી છે,
વિષય તારો સુંદર, કુતૂહલ મઘુરૂં.
લે સાંભળ, એ સામાન્ય એક આદમી છે,
હૃદય એનું ભોળું, જીવન એનું સાદું;

ન ચહેરો રૂપાળો, ન વસ્ત્રોમાં ઠસ્સો,
ન આંખોમાં ઓજસ ન વાતોમાં જાદુ.
કવિતાના પણ એ નથી ખાસ રસિયા,
ન સંગીતમાં કંઇ ગતાગમ છે એને;

પસંદ એ નથી કરતા કિસ્સાકહાણી,
કલાથી ન કોઇ સમાગમ છે એને.
એ મૂંગા જ મહેફિલમાં બેસી રહે છે,
છે ચુપકિદી એની સદંતર નિખાલસ;

નથી એની પાસે દલીલોની શકિત,
કદી પણ નથી કરતાં ચર્ચાનું સાહસ.
જુએ કોઇ એને તો હરગિઝ ન માને,
કે આ માનવીમાં મહોબ્બત ભરી છે;

કોઇના બુરામાં ન નિંદા કોઇની,
નસેનસમાં એની શરાફત ભરી છે.
જગતની ધમાલોથી એ પર રહે છે,
છે પોતાના રસ્તે જ સૂરજની માફક;

સખી તારા પ્રીતમની છે એ જ ઓળખ,
છે સૌ સ્ત્રીઓ માટે જીવન એનું લાયક.
ભિખારણની પાસે કે રાણીના પડખે,
જગા કોઇ પણ હો એ શોભી શકે છે;

પરંતુ સખી! આવી દુનિયાની અંદર,
ભલા એવા માણસને કોણ ઓળખે છે.
સદીઓથી એવું જ બનતું રહ્યું છે,
કે પ્રેમાળ માણસ નથી ઓળખતાં.

કૃષ્ણ તારી પ્રીતના

કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે
કોઈ તારી પીડાને જીરવી જવા તૈયાર છે?

રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી
લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે

કમનસીબી એ જ, કે આંખ ખાલી બે જ
શું કરે રાધા કે એના અશ્રુઓ ચોધાર છે

વાંસળી છોડી સુદર્શન હાથ ધરવું પડ્યું
આ જગત સામે બિચારો ઈશ્વરેય લાચાર છે

એક અમથું તીર એને કઈ રીતે મારી શકે?
આ ગુનામાં સ્વયમ પોતે જ હિસ્સેદાર છે.

મસ્તક હો આકાશે

ઋતુ હો કોઈ પણ, ખૂણે ખૂણે મહેકંત માટી હો,
અને આ આપણું અસ્તિત્વ ધરતીની રૂંવાટી હો.

કબરમાં કોઈનું હોવું જરૂરી હો તો માની લ્યો,
હું એવી શૂળની છું લાશ, જે ફૂલોએ દાટી હો.

પવન, તારાં પરાક્રમ શ્વાસમાં વર્તાઈ રહેવાનાં,
ચમનમાં ફૂલ વેર્યાં હો, કે રણમાં રેત છાંટી હો.

પરોવાયું રહે હૈયું મીઠેરી મૂંઝવણ માંહે,
સરળતાથી સરકતા દોરમાં એવી ય આંટી હો.

પડી જઈએ ચરણમાં, તે છતાં મસ્તક હો આકાશે,
‘ગની’, એકાદ તો સંબંધની એવી સપાટી હો.

નથી દેતાં

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં

રામરામ

પતવાર ને સલામ, સિતારાને રામરામ,
મજધારે જઈ રહ્યો છું, કિનારાને રામરામ.

ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં,
નૌકાને તારનાર ઈજારાને રામરામ.

દિલને દઝાડતો રહ્યો; ભડકી શક્યો નહીં,
નિર્માલ્ય એવા પ્રેમ-તિખારાને રામરામ.

મારો જનાજો છે હવે મારી જ ખાંધ પર,
મૃત્યુ પછીના સર્વ સહારાને રામરામ.

દીધો છે સાદ ‘શૂન્ય’ ગહનતાઓએ મને,
કાંઠે ટહેલવાના ધખારાને રામરામ.

કદર ક્યાં છે

મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, એ દિલ ક્યાં છે, જીગર ક્યાં છે?
જીવનમાં જીવવા જેવું કઈ તારા વગર ક્યાં છે ?

જે દુશ્મન છે તે દુશ્મન છે, ન સમજો દોસ્તને દુશ્મન,
તમોને દોસ્ત દુશ્મનની ખબર ક્યાં છે, કદર ક્યાં છે?

સમજ પણ એ જ છે મુજમાં, નજર પણ એ જ છે કિન્તુ,
સમજ લાંબી સમજ ક્યાં છે, નજર લાંબી નજર ક્યાં છે?

તને છે રૂપની મસ્તી, મને છે પ્રેમની મસ્તી,
તને તારી ખબર ક્યાં છે, મને મારી ખબર ક્યાં છે?

કવિ જેને કહો એવા કવિ ક્યાં છે કવિ ‘ઘાયલ’,
યદી છે તો જગતમાં કોઈને એની કદર ક્યાં છે?

મન રહ્યું નહિ

બસ એક વાર મોજ લુંટી મન રહ્યું નહિ,
જીવનમાં પ્રેમદર્દ ફરીથી સહ્યું નહિ.

સૌને કહું છું ધ્યાન તમારું જ છે મને,
કરજો ક્ષમા કે ધ્યાન તમારું રહ્યું નહિ.

મારે તો રાખવી હતી તારા વચનની લાજ,
તેથી તો ઇંતિઝારમાં જીવન વહ્યું નહિ.

આખર સમયમાં એમ એ જોતા રહ્યા મને,
કે એનું સૌ, ને મારું કશુંયે ગયું નહિ!!

સ્નેહીજનોના પ્રેમમાં શંકા નથી મગર,
લાગે છે કેમ કોઇ અમારું થયું નહિ.

મારો નજુમી પણ મને સમજી ગયો 'મરીઝ',
ભાવિમાં સુખ છે, તેથી વધુ કંઇ કહ્યું નહિ.

કોઇ ના જાણે

દર્દ એવું કે કોઇ ના જાણે,
હાલ એવો કે જે બધા જાણે!

શું થયું? તેય કયાં ખબર છે મને,
શું થવાનું હશે ખુદા જાણે.

આ ભટકવું રઝળવું ચારે તરફ,
તારી પાસે જ રહી ગયા જાણે.

વાત આવી જ હો તો શું કહીએ!
એ નથી કંઇ જ જાણતા જાણે!

એમ ઉદાસ આંખે આભ જોતો રહ્યો,
તારી મળવાની હો જગા જાણે.

એણે આપી ક્ષમા તો એ રીતે,
કંઇ જ સૂઝી નહીં સજા જાણે.

છે નિરાશામાં એક નિરાંત 'મરીઝ',
હો બધા દર્દની દવા જાણે.

સમજાય છે સાકી

હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી!
હવે પીધા પછી પણ મારું દિલ ગભરાય છે સાકી.

સુરા પીતાં જે મારાથી કંઇક ઢૉળાય છે સાકી,
મને એમાં હજારોની તરસ દેખાય છે સાકી.

સુરાની વાત કેવી ઝેર પણ પી લ્યે અગર કોઇ,
તો દુનિયામાં એ ચર્ચાનો વિષય થઇ જાય છે સાકી.

અસર આવી નથી જોઇ મેં વર્ષોની ઇબાદતમાં,
ફક્ત બે જામમાં તુર્ત જ જીવન બદલાય છે સાકી.

ભલે એ સત્ય છે, પણ વાત છે જૂના જમાનાની,
નશામાં પણ હવે કયાં આદમી પરખાય છે સાકી?

‘મરીઝ’ આવા નશામાં પણ ઉઘાડી આંખ રાખે છે,
ખબર કોને કે એની આંખ કયાં મીંચાય છે સાકી.